Facebook

પાલનપુર

 પાલનપુર 



        સિદ્ધપુરની ઇતિહાસયાત્રા પૂરી કરીને જઈએ ઉત્તર તરફ તો પ્રવેશીએ છીએ બનાસકાંઠામાં . ત્યાં પ્રથમ મોટું નગર આવે પાલનપુર , અમદાવાદ - મહેસાણા - આબુ માર્ગે એ મોટું સ્ટેશન . પછી તો પહોંચીએ છીએ ગુજરાત - રાજસ્થાનની સીમાએ . એટલે એ રીતે જોતાં રાજસ્થાનમાંથી એ માર્ગે ગુજરાતમાં આવતાં પાલનપુર લગભગ પ્રવેશદ્વાર ગણાય . પાલનપુરનું મૂળ નામ પ્રલાદનપુર . આબુના પરમાર   રાજવંશના પ્રલાદનદેવે તે વસાવેલું ને તેને પાટનગર બનાવેલું . ઇતિહાસમાં તેનું જે રીતે મહત્ત્વ અંકાયું છે તે જોતાં લાગે છે કે , એક સમયે તે ભારે જાહોજલાલીવાળું નગર હશે . નવાબી સમયમાં આ નગર બગીચાઓનું નગર ગણાતું . તે ફૂલો અને ખાસ કરીને ગુલાબો માટે જાણીતું હતું . આથી અહીં ઉત્તમ અત્તર બનતાં . આજેય તે અત્તર ઉદ્યોગ ઉપરાંત સુજનીઓ અને હીરા ઉદ્યોગ માટે જાણીતું છે . પાલનપુરના હીરાના વેપારીઓ - ઝવેરીઓ પેરીસ અને આમસ્ટર્ડમ જેવાં જગતનાં મોટા હીરાબજારોમાં આજે પણ મોટા વેપારીઓ રૂપે મળે . હજીય પાલનપુર તેના નવાબી સમયની છાયાઓ જાળવી રહ્યું છે . પાલનપુરનું નામ દેતાં યાદ આવે સૈયદ બંધુઓ - સુપ્રસિદ્ધ છબીકારો , સૈફ પાલનપુરી જેવા ગઝલકારો અને ચંદ્રકાન્ત બક્ષી જેવા સાહિત્યકાર પાલનપુર એટલે તો ઇતિહાસથી સમૃદ્ધ અને રંગીલું નગર . અહીં કૉલેજ છે ને નજીકમાં જ સુંદર આશ્રમશાળા છે .


          બનાસકાંઠા આમ તો સૂકો પ્રદેશ . રણનો કાંઠો નજીક , સરસ્વતી પણ જેમાં લુપ્ત થઈ ગઈ હતી તેવી રેતાળ સીમા . અંગ્રેજ સમયમાં લશ્કરી છાવણીના મથક તરીકે અને હમણાં કેટલાક ઉદ્યોગો તેમજ નદી પરના બંધ . આચાર્ય સૂર્યકાન્ત પરીખે ઉછેરેલી - વિકસાવેલી સરસ મલ્ટી પરપઝ હાઈસ્કૂલ અને કૃષિ યુનિવર્સિટી વગેરેને કારણે વિકસેલું . ડીસા કે જૂના નવાબી ગામ રાધનપુર સિવાય બનાસકાંઠામાં મોટાં મહત્ત્વનાં નગર નથી . હા , એક ઉત્તમ સૌંદર્યધામ છે પાલનપુર નજીકનું બાલારામ . નદીના પૂરથી ઘણું નાશ પામ્યું હોવા છતાં વૃક્ષોના વિનાશ અને રેતીના પથરાટને કારણે ઘણું મૂળ સૌંદર્ય નાશ પામ્યું હોવા છતાં , હજી બાલારામ એની પ્રાકૃતિક મનોહરિતા ઘણે અંશે જાળવી રહ્યું છે ને પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે . હવે તો નવાબના જૂના મહેલમાં સગવડવાળી હોટેલ પણ થયેલી છે . આપણેય વૃક્ષોના મૂળમાંથી પ્રગટતાં ઝરણાં , વહેતી નદી , વૃક્ષોનું શાંત શીતળ મનોરમ્ય પ્રકૃતિ - સૌંદર્ય માણી આગળ જઈએ તો આવે ગુજરાતનું એક ખૂબ જ મહત્ત્વનું તીર્થધામ અંબાજી .

પાલનપુર પાલનપુર Reviewed by History of Gujarat on September 25, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.