Amul
અમૂલ ડેરી
આણંદમાં આવેલી ગુજરાતની શ્રેષ્ઠ અને એશિયાની આ ઉત્તમ ડેરી છે . 1945 ના વર્ષ દરમ્યાન આણંદની આસપાસના વિસ્તારનું દૂધ કૉન્ટ્રક્ટરો દ્વારા એકત્ર કરી , પાશ્ચરીકરણ કર્યા બાદ મુંબઈ દૂધયોજનામાં મોકલવામાં આવતું , પરંતુ રાજ્ય સરકારે દૂધના ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ - ઉત્પાદકોને ન મળતાં તેમને અસંતોષ થયો . આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ અનુસાર ખેડૂતોની સભા તા . 4 થી જાન્યુઆરી 1946 ના રોજ મોરારજીભાઈ દેસાઈના પ્રમુખપદે રાખવામાં આવી , જેમાં સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ - ઉત્પાદક સંઘ સંચાલિત ડેરી સ્થાપવા અંગે વિચારણા થઈ , પરંતુ આવી સહકારી પ્રવૃત્તિની સફળતા આડે અસંખ્ય અવરોધક પરિબળો હતાં . ત્રિભોવનદાસ પટેલ અને અન્ય પ્રગતિશીલ ખેડૂતોએ સહકારી ધોરણે ડેરીની સ્થાપના માટે અથાગ પ્રયત્ન કર્યા , જેના પરિપાકરૂપે ખેડા જિલ્લા દૂધ - ઉત્પાદક સંઘની સ્થાપનાની તા . 14-12-1946ના રોજ એશિયાની મહાન સહકારી ડેરી ‘ અમૂલ'નો જન્મ થયો !
આજે તો અમૂલ ડેરી સાથે લગભગ 1000 જેટલી દૂધ - ઉત્પાદક સહકારી મંડળીઓ સંલગ્ન છે , જેના 3,65,000 થી પણ વધુ સભાસદો ડેરીને દૂધ પૂરું પાડે છે . અમૂલમાંથી પાશ્ચરીકરણ થયેલ દૂધ રેલવે ટેન્કરો દ્વારા મુંબઈ , દિલ્હી અને કલકત્તા જેવાં શહેરોને પણ પૂરું પાડવામાં આવે છે . આ ઉપરાંત દૂધની પેદાશો જેવી કે પાવડર , માખણ , ઘી , કેસીન , ચીઝ વગેરેનું ઉત્પાદન નિયમિત ધોરણે કરી ભારતનાં શહેરોમાં ગ્રાહકો માટે તથા લશ્કરમાં સૈનિકોના ઉપયોગ માટે વેચાણ કરવામાં આવે છે .
અમૂલની આ કામગીરી ઉપરાંત તે પોતાના દૂધ - ઉત્પાદકોને દૂધ - વેચાણ મારફત વધારે આવક કેમ થાય તેનું હંમેશાં ધ્યાન રાખે છે . આ માટે ખેડૂતોને ગાયો - ભેંસો ખરીદવા સહકારી બેંકો દ્વારા ધિરાણ આપવું , દૂધ - ઉત્પાદન વધારવા માટે વાજબી ભાવે દાણ પહોંચાડવું , વિનામૂલ્ય પશુ - સારવાર આપવી , કૃત્રિમ વીર્યદાન અને સંકરણ દ્વારા સારી જાતનાં દુધાળાં ઢોર તૈયાર કરવા તથા વિસ્તરણ સેવાઓ દ્વારા ઢોરનાં ઉછેર , માવજત અને પોષણ માટે વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાની સેવાઓ પણ બજાવે છે . ભારતમાં ‘ શ્વેતક્રાંતિ ’ લાવવામાં અમૂલનો ફાળો ખૂબ જ નોંધપાત્ર છે .

No comments: