કોંગ્રેસનો જન્મ :[Congress]
1885 ના ડિસેમ્બરની 28 મી તારીખે બપોરે મુંબઈની એ ક ગુજરાતી સંસ્થા ગોકળદાસ તેજપાળ સંસ્કૃત પાઠશાળાના મકાનમાં કોંગ્રેસની સૌપ્રથમ સભા મળી . આ અધિવેશનમાં કુલ 72 પ્રતિનિધિઓ હતા . તેમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ સૌથી વધુ હતું . આ અધિવેશનનું કામ ત્રણ દિવસ ચાલ્યું . આ કોંગ્રેસના અધિવેશનના પ્રથમ પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનરજી . બીજું અધિવેશન દાદાભાઈ નવરોજીના પ્રમુખપદે કલકત્તામાં અને ત્રીજું મદ્રાસમાં બદરુદીન તૈયબજીના પ્રમુખપદે ભરાયું . આ ત્રણે અધિવેશનના પ્રમુખો જુદી જુદી કોમના હતા , પરંતુ છેલ્લા બે પ્રમુખો ગુજરાતના હતા .
1893 ના વર્ષમાં કોંગ્રેસ ધીમે ધીમે એક રાષ્ટ્રીય સંસ્થા બની . તેમાં સુરેન્દ્રનાથ બેનરજી , દાદાભાઈ , રાનડે , ગોખલે , ટિળક , લાલા લજપતરાય , માલવિયાજી , ફીરોઝશાહ મહેતા વગેરે નેતાઓની રાષ્ટ્રભાવનાથી દેશમાં એક નવી હવા ઊભી થઈ રહી હતી .
સ્વાતંત્ર્ય - સંગ્રામ લાંબા ગાળાનું યુદ્ધ હોય છે . તે ઘણે મોરચે લડાતું હોય છે . દેશમાં તેમજ પરદેશમાં પણ . જેમ કે , દાદાભાઈ ઉપરાંત બીજા ત્રણ ગુજરાતીઓ શ્યામજી કૃષ્ણવર્મા , સરદારસિંહ રાણા અને માદામ ભીખાઈજી કામાએ એવા પરદેશમાં રહી ભારતના સ્વાતંત્ર્યની વાત પરદેશમાં પણ ફેલાવી . ત્યાંથી છાપાં કાઢીને પણ આપણો પ્રચાર કર્યો .
સ્વાતંત્ર્યની આખીય લડતને એ ક નવો જ વળાંક આપવાનું જેના ભાગ્યમાં લખાયેલું હતું , જેને ભારત - ભાગ્યવિધાતા તરીકે લોકો પૂજવાના હતા એ ક સંપૂત મોહનદાસ કરમચંદ
1869 માં ગુજરાતના પોરબંદરમાં જન્મ થયો હતો .
ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર થઈ વકીલાત કરવાના ઉદેશથી તેઓ આફ્રિકા ગયા , પરંતુ ત્યાં હિન્દીઓ ઉપર થતા અન્યાય અને દમનને કારણે તેમનું હૈયું કકળી ઊડ્યું . ત્યાં આફ્રિકાની ધરતી પર ‘ સત્યાગ્રહ ’ નામના શબ્દનો જન્મ થયો . આફ્રિકામાં એમણે એ અન્યાયની સામે જે રીતે અહિંસક લડત આપી તેનું અહીં દેશની પ્રજા અને દેશના નેતાઓએ રસપૂર્વક નિરીક્ષણ કર્યું . તેમના પ્રત્યે અહીં સૌને આદરની લાગણી થઈ .
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી અંબુભાઈ પુરાણીને મળી હતી . અરવિંદ ઘોષ વડોદરામાં પ્રોફેસર હતા . અંબુભાઈ , તેમના જ ભાઈ છોટુભાઈ , તેમજ વડોદરાના પ્રોફેસર માણિકરાવ વગેરેએ વ્યાયામ પ્રવૃત્તિઓ ઠેરઠેર શરૂ કરીને સ્વરક્ષણની સ્વદેશી ભાવનાની અને અન્યાય સામે ટક્કર લેવાની એક નવી જ હવા ઊભી કરી આપી . સેંકડો જુવાનો આવા નેતાઓની રાહબરી નીચે તૈયાર થતા હતા .
અંગ્રેજો સામે એક નવો પડકાર પણ હતો અને તે વડોદરાના મહારાજા સયાજીરાવનો . પોતાના રાજ્યની પ્રજાના કલ્યાણ અર્થે તેમણે ઉદાર નીતિ અખત્યાર કરી હતી . તે અંગે તેમની વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર સરકાર અંકુશ મૂકવા માગતી હતી . તેનો સયાજીરાવે હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો , જે માં થી તે રાજવીના સ્વદે શાભિમાન તેમજ સ્વાભિમાનનાં દર્શન થાય છે .
1915 માં ગાંધીજી ભારતમાં આવ્યા અને એક વર્ષ દેશાટન કરીને તેમણે દેશની પરિસ્થિતિ નિહાળી . નાનાં મોટાં અનેક કામોમાં હિન્દ્રની પ્રજાની યાતના તેમણે નજરે જોઈ . તે અંગે લડત આપવા માંડી . સૌ પહેલાં અમદાવાદમાં કોચરબમાં તેમણે આશ્રમ સ્થાપ્યો . ખૂબ સાદગીભર્યું જીવન તેમજ પોતાનાં રોજિંદા કામો જાતે જ કરી લેવાં વગેરેએ અનેક બાબતોથી તેમના પ્રત્યે ધીમે ધીમે લોકોનું ધ્યાન ખેંચાવા માંડ્યું . સરદાર વલ્લભભાઈ તે વેળા અમદાવાદમાં વકીલાત કરતા હતા . ગાંધીજી સાથે તેમના કાર્યમાં જોડાયા , તે સાથે મહાદેવભાઈ દેસાઈ પણ જોડાયા . પછી તો દેશના અનેક નેતાઓ તેમની સાથે જોડાયા . એટલું જ નહીં પણ તેમના માર્ગદર્શન નીચે કામ કરવા લાગ્યા . મહાદેવભાઈ તો પૂ . ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી રહ્યા .
અમદાવાદના મિલમાલિક શેઠ અંબાલાલ સારાભાઈએ તે કપરા સમયમાં આશ્રમના ખર્ચ માટે સારી એવી મદદ કરેલી . તેમનાં બહેન અનસૂયાબહેન તેમજ પત્ની સરલાદેવીએ પણ ગરીબોની સેવા કરવાની શરૂઆત કરી હતી . અમદાવાદના મિલમજૂરોના પ્રશ્નોનું પણ ગાંધીજી અને શેઠ અંબાલાલ , અનસૂયાબહેન , શંકરલાલ બેંકર વગેરેની મદદથી સુખદ નિરાકરણ થયું . આ કારણે રાષ્ટ્રીય લડતોમાં ભાગ લેતા કરી શક્યા . ભારતનું આ પ્રથમ મજૂર સંચાલન . પછી આવ્યો ખેડા સત્યાગ્રહ . ખેડા જિલ્લાના ખેડૂતોની મહેસૂલ - ચુકવણી અંગેના પ્રશ્નો અંગે ગાંધીજી , વલ્લભભાઈ , વિઠ્ઠલભાઈ , મોહનલાલ પંડયા વગેરેએ સરકાર સાથે વાટાઘાટ કરી , પરંતુ નિષ્ફળ ગઈ એટલે 1918 ની 22 મી માર્ચે આ અંગે સત્યાગ્રહ કરવા માટે એક સંમેલનમાં નિશ્ચય કરવામાં આવ્યો . ખેડૂતોએ પ્રતિકાર કર્યો અને ગુજરાતમાં સૌપ્રથમ સત્યાગ્રહનો જન્મ થયો . આ પ્રસંગે જ ગુજરાતને સાંપડ્યા એક ઉત્તમ લોકસેવક રવિશંકર મહારાજ .
દેશના પ્રજાજનોની આંખ લડતની આ નવી અહિંસક પદ્ધતિ સામે મંડાઈ રહી હતી . આનાથી ભારતના આધુનિક યુગમાં એક નવા પ્રકરણનો પ્રારંભ થયો . ગાંધીજીના આગમન પછી ‘ ગાંધીયુગ ' શરૂ થયો હોય એમ લાગવી માંડ્યું . પાયાના આ કાર્યની વ્યાપક અસરો દેશવ્યાપી થવા માંડી . આમાં એક નવું જ ઉમેરણ થયું : ઢસાના દરબાર ગોપાળદાસે ગાદીત્યાગ કરી પોતાનું સર્વસ્વ દેશને અર્પણ કરી સાદું જીવન અપનાવી સ્વાતંત્ર્ય ચળવળમાં ઝંપલાવ્યું .નાનાં રજવાડાંના અનેક રાજવીઓ માટે એક દાખલો બેસાડ્યો .
દેશના દરિદ્રનારાયણોનો ભૂખમરો રેંટિયો અને ખાદી વડે મટે એવો સૌપ્રથમ ખ્યાલ ગાંધીજીએ આપ્યો હતો . દેશમાં આવી તેમણે આશ્રમ શરૂ કર્યો અને દેશી કપડું તૈયાર કરવા હાથસાળ વસાવી હતી . ગાંધીજીએ 1917 માં ભરૂચનાં ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા સૂચવ્યું . વિજાપુર ગામમાંથી રેંટિયો મળ્યો . પછી શોધ ચાલી પૂણીઓની . પછી તો રેંટિયા પર ગાંધીજીએ જે પ્રયોગો કર્યા તે તો જગજાહેર છે .
આમ , ખાદીનો જન્મ થયો . તેનાં ઘણાં દૂરગામી પરિણામો આવ્યાં . પાછળથી રચનાત્મક કાર્યક્રમોમાં ગાંધીજીએ રેંટિયો , ખાદી , દારૂબંધી , અસ્પૃશ્યતાનિવારણ અને કોમી ઐક્યનો મંત્ર આપ્યો . આનાં સુફળરૂપે ગુજરાતમાં અનેક સ્થળે અનેક સંસ્થાઓ સ્થપાઈ . ગાંધીરંગે રંગાયેલા દેશભક્તોએ ધૂણી ધખાવીને દેશના ખૂણે ખૂણે બેસીને વિવિધ પ્રવૃત્તિઓ આદરી દીધી . મોહનલાલ પંડ્યા , ત્રિભુવનદાસ પટેલ , પરીક્ષિતલાલ મજમુદાર , ઇન્દુલાલ યાજ્ઞિક , જુગતરામ દવે , રવિશંકર મહારાજ , ઠક્કરબાપા , નાનાભાઈ ભટ્ટ , કલ્યાણજીભાઈ વગેરે અનેક કાર્યકરોએ પોતાનું સમગ્ર જીવન એક કાર્યક્ષેત્ર પસંદ કરી તેને સમર્પિત કરી દીધું .
સત્યાગ્રહ આશ્રમની સાથે ગૂજરાત વિદ્યાપીઠ પણ ગાંધીજીએ ગુજરાતને આપેલું એક પ્રદાન હતું . અસહકારના આંદોલન વેળા વિદ્યાર્થીઓને શાળા - કૉલેજો છોડવાની હાકલ કરી હતી . જે યુવાનોએ આ આદેશ માની શાળા - કૉલેજ છોડ્યાં તેમને રાષ્ટ્રીય શિક્ષણ મળે તેવી સંસ્થા પણ આપી . 1920 માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ . કાકાસાહેબ કાલે લકર , આચાર્ય કૃપાલાણી , રામનાયક પાઠક , ગિજવાણીજી , પંડિત સુખલાલજી અને રસિકલાલ પરીખ જેવા અનેક તેજસ્વી વિદ્વાનો ત્યાં અધ્યાપનકાર્ય કરતા હતા . ગાંધીજીએ ‘ નવજીવન ’ અને ‘ યંગ ઇન્ડિયા ’ શરૂ કર્યો . તેમાં સ્વામી આનંદે અમૂલ્ય સેવા આપી હતી .
ગુજરાતની સત્યાગ્રહ લડતોમાં બોરસદ , બારડોલી , દાંડી અને ધરાસણા મુકામે યોજાયેલા સત્યાગ્રહો ખૂબ મહત્ત્વના રહ્યા . બોરસદના લોકો બહારવટિયાઓને સાથ આપે છે એમ આક્ષેપ કરી ત્યાંની પ્રજા પર કર નખાયો . એનો પ્રજાજનોએ વિરોધ કરી દમનનો સામનો કર્યો . બારડોલીમાં પણ મહેસૂલના મુદ્દે ગ્રામજનોએ સરદાર વલ્લભભાઈ પટેલની રાહબરી નીચે સખત લડત આપીને સરકારને નમાવી . આમાં કાર્યકરો ઉપરાંત કાનૂની રાહે લડત આપીને કનૈયાલાલ મુનશીએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો હતો . બારડોલીના આ સફળ સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને ‘ સરદાર'નું બિરુદ અપાવ્યું . અત્યાર સુધી ગુજરાતના ‘ સરદાર ’ રહેલા વલ્લભભાઈ હવે દેશભરમાં ‘ સરદાર ’ તરીકે જાણીતા થયા . 1929 ના ડિસેમ્બરમાં લાહોરમાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની ઘોષણા કરવામાં આવી .ગાંધીજી વાઇસરૉય સાથે પત્ર દ્વારા મંત્રણાનો દોર ચલાવી રહ્યા હતા . તેમણે 1930 ની બીજી માર્ચે વાઇસરૉયને અલ્ટિમેટમ આપ્યું અને સરકાર દેશના લોકોની લાગણી નહીં સમજે તો આખરી લડત આપવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો . તેમણે લડતનો મુદ્દો પણ પ્રજા પર એકસરખી રીતે પડનારા મીઠાવેરાને બનાવ્યો . એટલે કાયદાનો સૌપ્રથમ ભંગ ગાંધીજી પોતે કરે અને પછી સમગ્ર પ્રજામાં તેનો વ્યાપક ભંગ થાય તેવી ખુલ્લેખુલ્લી વ્યુહરચના હતી .
પ્રથમ વિચારમાં કૂચ ખેડા જિલ્લાના બાદલપુર લઈ જઈ ત્યાં દરિયાનું પાણી ઉકાળીને મીઠું બનાવવાની યોજના હતી , પરંતુ સુરતના કાર્યકર્તા કલ્યાણજીભાઈ મહેતાએ સુરત જિલ્લાને પણ વીંધીને દરિયા - કિનારે જામેલું મીઠું ઉપાડીને કાયદાનો ભંગ કરવામાં આવે તો સમગ્ર દેશમાં તેની અસર થશે એમ સૂચવ્યું . તેમનું સૂચન સ્વીકારવામાં આવ્યું અને આ સત્યાગ્રહ માટે ‘ દાંડી’ની પસંદગી કરવામાં આવી .

No comments: