ઝવેરચંદ કાલિદાસ મેઘાણી (જ. 26-08-1896)(અ. 09-01-1947)
કલકત્તામાં ઍલ્યુમિનિયમનાં વાસણો બનાવનારી પેઢી જીવણલાલ કંપનીમાં સ્થિર થયેલા ઝવેરચંદ મેઘાણીને 1921 માં પોતાના વતનનો જાણે સાદ સંભળાય છે અને પોતાની એ મોટા પગારવાળી નોકરી છોડીને લોકસાહિત્યની સેવાકાજે પોતાની ભૂમિમાં પાછા ફરે છે .
શેઠ જીવણલાલ સાથે ઝવેરચંદ ત્રણ મહિના લંડન જઈ આવ્યા . જીવણલાલની ઇચ્છા એવી હતી કે ઝવેરચંદ લંડનમાં જ સ્થિર થાય અને ત્યાંનું કામકાજ સંભાળી લે . પણ ... કાઠિયાવાડની ભોમકાની સુગંધ મેવાણીને સાદ કરીને બોલાવી રહી હતી . ઝવેરચંદ વેપારનો જીવ ન હતો . એ તો સાહિત્યનો જીવ હતો . શેઠ તેમજ કુટુંબીજનો દુભાયા , પણ પોતાના વતનનો સાદ સાંભળીને ઝવેરચંદ કાઠિયાવાડ પાછા ફર્યા .
કાઠિયાવાડ આવ્યા બાદ તેમને માટે અનેક નોકરીઓ તૈયાર હતી . નિશાળમાં શિક્ષકની તેમ જ દેશી રજવાડાંઓની પણ . તો વળી વેપારમાં નીવડેલા મેઘાણીને વેપાર તરફ ખેંચવાનોય કોઈકે પ્રયત્ન કરી જોયો . દરમ્યાન ઈશ્વરકૃપાએ તેમનો ભેટો હાડાળા દરબાર વાજસુરવાળા સાથે થાય છે . બંને વચ્ચે વાતોની રમઝટ બોલી . દરબાર મારફતે કથાવાર્તાના લીધે કોટાર સમા સામંત ગઢવીનો પરિચય થયો . તેમના સત્સંગને લીધે લોકસાહિત્યની સમૃદ્ધિ તરફ મેઘાણીનું ધ્યાન ખેંચાયું . પરિણામે મેઘાણીમાં રહેલો સુષુપ્ત વાર્તાકાર જાગ્રત થઈ ગયો . પિતા કાલિદાસની ફોજદારીની નોકરીમાં બદલીઓને કારણે સૌરાષ્ટ્રની ધરતીનો ખૂણેખૂણો તેમના પગ તળે બાળપણમાં જ ખૂદાયો હતો . જાતભાતનાં પાત્રોને નજદીકથી નીરખવાનો અને તેમના અંતરંગ પામવાનો મોકો આપોઆપ જ મળી ગયો હતો .
સર્જકનું સ્વયં ભૂ ઝરણું ફૂટવું . ‘ મોતીની ઢગલીઓ ’ , ‘ સમરસની પ્યાલી ’ અને ‘ ચોરાનો પોકાર ’
જેવા લેખો લખાયા . છેલ્લો લેખ રાણપુરથી અમૃતલાલ શેઠના તંત્રી પદે પ્રગટ થતા ‘ સૌરાષ્ટ્ર'માં પ્રગટ થયો . અમૃતલાલ શેઠ જેવા પારખુએ મેઘાણીનું હીર એક જ લેખમાં પારખી લીધું . મેઘાણીને પોતાને ત્યાં રાખી લીધા અને ‘ સૌરાષ્ટ્ર ' પત્ર તરફથી મેઘાણીએ કરેલો ટાગોરની કથાઓનો અનુવાદ ‘ કુરબાનીની કથાઓ ” પ્રગટ થયું . ઝવેરચંદ મેઘાણીનું આ સૌપ્રથમ પુસ્તક . અમૃતલાલ શેઠે એમના સર્જનને વહેવા પૂરતી સગવડ આપી . શુક્ર , શનિ , રવિ એમ ત્રણ દિવસ કાઠિયાવાડમાં રખડવાની અને લોકસાહિત્ય એકઠું કરવાની છૂટ આપવામાં આવી .
મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામે ગામ ફરીને લોકકથાઓ , રાસડા , દુહા , ગીતો વગેરે એકઠાં કર્યાં . ચારણથી માંડીને સામાન્ય અભણ વૃદ્ધો કે બાઈઓ પાસે જઈને તેમણે પોતાની નોંધપોથીઓ ભરવા માંડી . પહેલા જ વર્ષે ‘ સૌરાષ્ટ્રની રસધાર’નો પહેલો ભાગ પ્રગટ થયો . આ પુસ્તકને ગુજરાતમાં અપૂર્વ આવકાર મળ્યો . ત્યાર બાદ 1927 સુધીમાં તો તેના પાંચ ભાગ પ્રગટ થઈ ગયા .
થોડા સમય પછી અમૃતલાલ શેઠે મુંબઈમાં ‘ જન્મભૂમિ ' દૈનિક શરૂ કર્યું . મેઘાણી મુંબઈ ગયા અને ‘ જન્મભૂમિ'માં જોડાયા . અઠવાડિયામાં બે વખત તેમણે ‘ કલમ અને ખિતાબ ' નામે એક સાહિત્યવિભાગનું સંપાદન કર્યું . આ ઉપરાંત ‘ સૌરાષ્ટ્રની રસધાર ’ ભાગ 1 થી 5 , ‘ સોરઠી બહારવટિયા ' ભાગ 1 થી 3 , ‘ સોરઠ તારાં વહેતાં પાણી ’ , ‘ વસુંધરાનાં વહાલાંદવલાં ' , ‘ તુલસીક્યારો ’ , ‘ વેવિશાળ ’ , ‘ માણસાઈના દીવા ' , ‘ જેલ ઑફિસની બારી ” જેવાં અનેક પુસ્તકો લખ્યાં . મેઘાણી એટલે આવેશ અને સંવેદનાનું મિશ્રણ . આ ગુણોને પરિણામે ‘ સિંધુડો ’ , ‘ કોઈનો લાડકવાયો ' , છેલ્લો કટોરો ' જેવાં અદ્ભુત કાવ્યો ગુજરાતી સાહિત્યને મળ્યાં . એ ગીતોમાં પોતાની મનોવ્યથાનો સાચો ચિતાર અનુભવતાં ગાંધીજીએ મેઘાણીને ‘ રાષ્ટ્રીય શાયર'નું બિરુદ આપ્યું .
મેઘાણીએ કલકત્તા - બંગાળમાં ગાળેલો સમય પણ તેમની સાહિત્ય - સર્જકતાને પરિપોષક નીવડ્યો . રવીન્દ્રનાથનાં અદ્ભુત કાવ્યોથી આકર્ષાઈને તેમણે એમનાં અનેક કાવ્યોને ગુજરાતી ભાષામાં ઉતાર્યા . એ કાવ્યોનો સંગ્રહ તે ‘ રવીન્દ્ર - વીણા ” . અનુવાદ - રૂપાંતર કરવાની એમની પાસે આગવી શક્તિ હતી . કદાચ મૌલિક સર્જન કરતાંય રૂપાંતર - અનુસરણમાં તેમની શક્તિ વધુ ખીલી નીકળતી . ‘ કોઈનો લાડકવાયો ’ તેનું ઉત્તમ ઉદાહરણ છે . કાવ્ય ઉપરાંત નાટકમાં પણ તેમનું સારું પ્રદાન છે . મૌલિક નાટક નહિ , પણ ‘ રાણો પ્રતાપ ’ , ‘ શાહજહાં ' વગેરેના સુંદર અનુવાદો તેમણે આપ્યા છે . નવલકથા , નિબંધ , નવલિકા , ઇતિહાસ તેમ જ સંશોધન વગેરેમાં હાથ અજમાવનાર મેઘાણીએ ‘ કલમ અને કિતાબ ' કટાર દ્વારા ‘ જન્મભૂમિ ' પત્રમાં વિવેચન - ક્ષેત્ર પણ સફળતાપૂર્વક ખેડ્યું હતું .
No comments: