દ્વારકા
આ કાંઠાનું સૌથી વિખ્યાત મથક તો દ્વારકા . પુરાણથીયે પુરાણું આ નગર એમાંની સિમેન્ટ ફેક્ટરી કે પાઠશાળાઓને કારણે નહીં પણ અહીંની મહાવિભૂતિને કારણે વિખ્યાત છે - તે છે ભગવાન શ્રીકૃષ્ણ ...
કથા કહે છે – મથુરા પર જરાસંધ અને કાલયવન ચઢી આવ્યા , કંસના વધનું વેર લેવા . ત્યારે યાદવોનો સંહાર અટકાવવા શ્રીકૃષ્ણ યાદવોને લઈ અહીં પશ્ચિમે તેની અણી જેવી જગાએ આવ્યા અને આ નગર વસાવ્યું - નામ આપ્યું દ્વારકા , એ નામ ખૂબ અર્થપૂર્ણ છે . કારણ કે પશ્ચિમ તરફથી વહાણોમાં આવનારને ભારતમાં પ્રવેશવા માટેનું આ દ્વાર જ છે . દરિયાકાંઠે દ્વારકા ભારતની પશ્ચિમ ભૂમિ છે . ઇતિહાસ કહે છે કે , પુરાતન કાળમાં અહીં આદિમ સંસ્કૃતિયુગમાં એસિરિયાનાં વહાણો આવતાં ને પછી ઈરાન - અરબસ્તાનમાં જતાં .
શ્રીકૃષ્ણ વસાવેલી દ્વારકા તો સુવર્ણદ્વારકા કહેવાતી . પુરાણોમાં ને કાવ્યોમાં તેની ભવ્યતા , સુંદરતા અને સમૃદ્ધિનાં મબલક વર્ણનો છે . આપણા પ્રેમાનંદે તો સુદામાચરિત્રમાં વર્ણવ્યું છે કે , ' કનકકોટ ચળકારા કરે મણિમય રત્ન જડ્યાં કાંગરે ’ . એ સુદામાએ દીઠેલી દ્વારકા તો શું ઇતિહાસમાં વર્ણવાયેલી નગરીનો પણ અંશ કે અવશેષ અહીં મળતો નથી . કહેવાય છે કે , પ્રભાસ પીપળેથી જીવનની અંતિમ વિદાય - વેળાએ શ્રીકૃષ્ણ યાદવોને સંદેશો મોકલ્યો હતો કે દ્વારકા છોડી દેજો . કારણ કે શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ બાદ તે સમુદ્રમાં સમાઈ જશે . ને લોકવાયકા કહે છે કે , સોનાની દ્વારકા તો સમુદ્રને તળિયે છે . અત્યારનું આ દ્વારકા તો નવું વસેલું .
લોકવાયકામાં તથ્ય ગમે તે હોય , સોનાની વાત ભલે કલ્પનાની હોય , પણ તાજેતરમાં સમુદ્રતળના વિદ્વાન પુરાતત્ત્વવિદ્ ડૉ . રાવે શોધી કાઢયું છે કે દ્વારકાની નજીકના સમુદ્રમાં તળિયે પાંચ વખત નગરી ડૂબી ગયાના અવશેષો છે .
એ ગમે તે હોય , અત્યારે તો દ્વારકા નાનકડું ગામ છે . ને તેનું માહાસ્ય યાત્રાસ્થળ તરીકે છે . પ્રાચીનોએ ગણાવેલી મોક્ષદાયિની સાત નગરીઓમાંની એક એવી આ નગરીમાં ચૈતન્ય મહાપ્રભુ પધારેલા . મીરાં તો કહે છે કે , અંતિમ સમયે અહીં જ આવેલાં અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયેલાં . ને તે યાત્રા હજી અખંડ ચાલે છે ને રોજે રોજ દેશભરમાંથી હજારો યાત્રાળુઓ અહીંનાં ભવ્ય ઊંચાં અને સુંદર સ્થાપત્યયુક્ત મંદિરોમાં ભગવાન રણછોડરાયજીને – દ્વારકાધીશન - ચરણે શ્રદ્ધાભક્તિથી પ્રણમવા આવ્યું જ જાય છે . મંદિર સુંદર છે .
ઊંચી ઊભણી પર આવેલા આ મંદિરમાં જવા માટે સંખ્યાબંધ લાંબાં પગથિયાં છે . સમુદ્ર ને ગોમતીના સંગમ પરથી આવતાં તટે જ આવેલું આ મંદિર પગથિયાંની શ્રેણીને કારણે વધુ ભવ્ય લાગે છે , મુખ્ય મંદિરના ગર્ભગૃહ પર લગભગ 60 મીટર ઊંચું છે – છ માળવાળું શિખર છે . સામે પાંચ માળનો વિશાળ મંડપ છે . તેનો ઘુમ્મટ 60 સ્તંભો પર ઊભો છે . આ . મંડપની ઊંચાઈ લગભગ 35 મીટર જેટલી છે . બહારની બાજુએ આખા મંદિર પર સુંદર શિલ્પકામ કરેલું છે , પણ અંદરની રચના કોતરણી વિનાની સાદી છે . બાંધકામમાં મુખ્યત્વે ચૂનાનો પથ્થર વપરાય છે . મંદિરને ' બેવડો કોટ છે અને પરિક્રમા કરવાની જગા છે . આ જગામાં જ ને નજીકમાં જ – શ્રીમદ્ શંકરાચાર્યના મઠ છે . આદ્ય શંકરાચાર્ય જે ચાર મઠ ભારતની ચાર દિશામાં સ્થાપ્યા તેમાંનો એક ‘ શારદાપીઠ ' અહીં છે . આજે પણ ત્યાં સંસ્કૃત વિદ્યાનું સંશોધનકાર્ય ચાલે છે .
મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રણછોડરાય દ્વારકાધીશની 1 મીટર ઊંચી ચતુર્ભુજ વિષ્ણુસ્વરૂપ થામમૂર્તિ છે . ઉપરના માળે અંબાજીની અને સભામંડપની એક બાજુએ બલરામજીની મૂર્તિ છે . મહાતીર્થ હોય ત્યાં મુખ્ય મંદિર ઉપરાંત નાનાંમોટાં બીજાં અનેક મંદિરો પણ હોય જ ને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ હોય .
દ્વારકાથી 32 કિલોમીટર દુર શંખોદ્વાર બેટ છે . તે સ્થળ બેટદ્વારકા અથવા રમણદ્વીપ તરીકે પણ ઓળખાય છે . પોતાના રાજ્યકાળ દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણ સહકુટુંબ અહીં રહેતા એવી કથા છે . બેટદ્વારકામાં એક રણછોડરાયજીનું મંદિર ને બીજું શંખઉદ્ધાર એમ મુખ્ય સ્થળો છે . મંદિર સાદું છે – પુષ્ટિમાર્ગી હવેલી પ્રકારનું . ફરતા કોટવાળા વિશાળ ચોકમાં બે કે ત્રણ માળવાળાં પાંચ મહાલો છે . અહીં મસ્યાવતારનું મંદિર છે .
આ બેટની વાત શંખ નામના અસુરનો શ્રીકૃષ્ણે કરેલા ઉદ્ધાર અને વિષ્ણુના હાથમાંના શંખ - કૃષ્ણના પાંચજન્ય સાથે સંકળાયેલી છે . બેટની આસપાસના દરિયામાં હજી પણ શંખ ઘણા પેદા થાય છે . બેટ ઉપરથી અટક થઈ બેટાઈ - જેનાથી આપણા વિખ્યાત કવિ સુંદરજી બેટાઈ યાદ આવે .
બેટદ્વારકાની નજીક ગોપી તળાવ છે તે પણ પુરાણપ્રસિદ્ધ સ્થળ છે . અહીંની માટી તે જ ગોપીચંદન , યાત્રાળુઓ આ તળાવમાંથી માટી કાઢી તેના ગોળા બનાવે છે . તેનાથી આગળ નજીકમાં વન છે તે દારુકાવન તરીકે પુરાણોમાં ઓળખાવાયું છે . અહીં ભગવાન નાગેશ ( શિવ ) નું નાગનાથનું મંદિર છે જે શિવનાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક ગણાય છે . આમ સોમનાથ અને દેહોત્સર્ગ તીર્થની જેમ જ અહીં પણ નાગેશ ( જ્યોતિલિંગ ) અને દ્વારિકાનું વૈષ્ણવ તીર્થ નજીક નજીક આવેલાં છે . જામનગર અને દ્વારકા વચ્ચેનું ટાટાનું કેમિકલ કારખાનું ને મીઠાનું કારખાનું મીઠાપુરમાં છે . સૌરાષ્ટ્રનું આ સૌથી મોટું કેમિકલનું ખાનગી કારખાનું છે . અહીં સોડા એ શ બનાવવામાં આવે છે . રાષ્ટ્રના ઉદ્યોગક્ષેત્રે આ ઉદ્યોગકેન્દ્ર ઘણું મહત્ત્વનું છે . હવે ત્યાં રસાયણનું ખાતર પણ બનાવવામાં આવે છે .
No comments: