પ્રભાસ - પાટણ : સોમનાથ
અહીંથી કાંઠે કાંઠેય જવું હોય તો પશ્ચિમ તરફ જઈએ સુવિખ્યાત ધાર્મિક તેમજ ઐતિહાસિક ક્ષેત્ર - પ્રભાસ - પાટણ .
પ્રભાસ - પાટણ સોમનાથ - પાટણ તરીકે પણ જાણીતું છે . મહાભારતમાં બે સ્થાનોનો ઉલ્લેખ જોવા મળે છે : દ્વારકા અને પ્રભાસ . ને ત્યાં પણ પ્રભાસને તીર્થક્ષેત્ર તરીકે વર્ણવ્યું છે . પાછળથી રચાયેલા ‘ શાકું તલ ’ નાટકમાં પણ કવિ કાલિદાસે કણ્વઋષિને , શકુંતલાના ભાગ્યમાં રહેલા દુરિતને દૂર કરવા પ્રભાસ મોકલ્યા છે . આને ચંદ્રતીર્થ પણ કહેવાય છે . કારણ કે પુરાણો પ્રમાણે આ સ્થાનનું માહાત્ય -ચંદ્ર અહીં તપશ્ચર્યા કરીને શાપમોચન પ્રાપ્ત કર્યું ત્યારથી .
સોમનાથનું મંદિર તો ભારતની સાંસ્કૃતિક ચેતનાના ખંડન અને તેની પુનઃજાગૃતિના સનાતન ઇતિહાસનું પ્રતીક છે . ક . મા . મુનશી તેમના ‘ સોમનાથનાં મંદિર ’ વિશેના પુસ્તકમાં જણાવે છે તેમ , આ મંદિર સાત વાર બંધાયું છે . પ્રથમ ચંદ્ર ૨ જતનું , પછી શ્રીકૃષ્ણ સુખડનું , ને પછીના ઇતિહાસકાળમાં તે લાકડાનું ને પછી પથ્થરનું બંધાયું . જે તૂટતું - બંધાતું ગયું . આમાં મહંમદ ગઝનીએ કરેલા વિનાશની અને પછી અલાઉદીન ખિલજીએ કરેલા સોમનાથ ધ્વસની કથાઓ જાણીતી છે .
ભીમદેવ સોલંકીએ બંધાવેલું મંદિર બાદમાં કુમારપાળે પણ બંધાવેલું અને તેના અનેક અવશેષો મળે છે . આ સોમનાથના પ્રાંગણમાં જ વીર મૃત્યુ વહોર્યું હતું . તેમની અવશેષો એકઠા કરી અત્યારે મુખ્ય મંદિર નજીકના એક જૂના સૂર્યમંદિરમાં મ્યુઝિયમ તરીકે મૂકવામાં આવ્યા છે .
જૂનાં વર્ણનો પ્રમાણે આ મંદિર વિરાટ પ્રાસાદ હતું તેમાં સોનાની સાંકળે અસંખ્ય ઘંટ લટકતા , રત્નજડિત દીવીઓમાં સુગંધીદ્રવ્યોના દીવા બળતા - તેમાં સોને - રૂપે રને મઢાયાં સ્તંભો અને દ્વાર હતાં . અનેક નર્તકીઓ ત્યાં ભગવાન શિવને રીઝવવા નૃત્ય કરતી . બાજુ માં પાઠશાળાઓ - ગૌશાળાઓ હતી . સોમનાથ શૈવપંથનું એક અત્યંત પુરાતન , સમૃદ્ધ ને મહત્ત્વનું કેન્દ્ર હતું . આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે . તેના પાયામાં એક પછી એક બંધાતાં ગયેલાં મંદિરોના પુરાવા છે . 1951 માં તેના બાંધકામના શેષ ભાગને ઉતારીને સંગ્રહાલયમાં રક્ષવામાં આવેલ છે આ સોમનાથ એ ભારતમાં શૈવ સંપ્રદાયનાં અત્યંત પવિત્ર એવાં બાર જ્યોતિલિંગોમાંનું એક હોવાથી - ને તે પણ પ્રથમ ગણાતું હોવાથી શૈવ સંપ્રદાય માટે તેનું ધાર્મિક મહત્ત્વ ઘણું જ છે .
છેક દરિયાકાંઠે આવેલા આ મંદિરનું સ્થાન ખૂબ રમણીય છે . સોમનાથનો ધ્વંસ કરવા બેગડો ચઢી આવ્યો ત્યારે સોમનાથની સખાતે આવેલા સૌરાષ્ટ્રના રાજવી વીરોના અગ્રણી હમીરજી ગોહિલે સોમનાથનું રક્ષણ કરતાં કરતા ખાંભી તરીકે તેમનું નાનકડું દેવળ સોમનાથના પ્રાંગણમાં છે . જ કવિ કલાપીએ ' હમીરજી ગોહિલ ' એ કાવ્યમાં હમીરજીની વીરગાથા સરસ રીતે ગાઈ છે . મંદિરના પ્રાંગણની સમુદ્ર તરફની પાળે બેસીને નીચે ઘૂઘવાતો સમુદ્ર તો જોવો ગમે જ . પણ તે સાથે એ પાળ પર એક દીપસ્તંભ બનાવ્યો છે તે પણ જોવા જેવો છે . આ પથ્થરના સ્તંભ પર દીવો કરવામાં આવે છે . સ્તંભની ટોચે આડા મૂકેલા શંખની આકૃતિ છે . શંખનું મુખ મંદિર તરફ અને અણી સમુદ્ર તરફ છે . તે શંખ એવી રીતે ગોઠવાયો છે કે , તે અણીથી સીધી લીટી દોરીએ તો તે દક્ષિણ ધ્રુવ સમુદ્ર પર જ જાય - વચમાં ક્યાંય ભૂમિ ન આવે . સોમનાથના સ્થાનનું આ મહત્ત્વ છે . મંદિરના ચોગાનની બહાર ગામ છે . ગામમાં બીજાં મંદિરો પણ છે . તેમાં જૂના સોમનાથનું મંદિર નોંધપાત્ર છે . સ્થાનિક લોકો કહે છે કે , જ્યારે અલાઉદીન ખિલજી સોમનાથનો ધ્વંસ કરવા આવ્યો ત્યારે મૂળ શિવલિંગ માનીને તેનાં દર્શન કરે છે . શ્રી ક . મા . મુનશીએ પોતાની નવલકથા ‘ ભગ્ન પાદુકા'માં શિવલિંગ ઉપાડવાનો પ્રયત્ન કરતા પૂજારીનો અછડતો ઉલ્લેખ કર્યો છે . ગામમાં ઉતારા માટે મોટી ધર્મશાળા છે . ગામના કોટની બહાર ઇતિહાસકાળનાં યુદ્ધોના અવશેષરૂપ કબ્રસ્તાન તથા યાદવાસ્થળીની જગ્યા સ્થાનિક લોકો પ્રવાસીઓને બતાવે છે . ગામમાં પુરાણા ઐતિહાસિક અવશેષો મંદિરો - શિલાલેખ વગેરે તેમજ કુમારપાળે બંધાવેલું જૈન મંદિર જોવાલાયક છે .
ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતના આ પુરાણપ્રસિદ્ધ મહાતીર્થની ભવ્યતા તેમજ તેના ઇતિહાસ અનેક કથાકારોને પ્રેર્યા છે . ગુજરાતીમાં , ઠક્કર નારાયણ વસનજી , ઉપરાંત કે , મા . મુનશી , ધૂમકેતુ , ચૂનીલાલ મડિયા અને રધુવીર ચૌધરી તથા હિન્દીમાં આચાર્ય ચતુરસેન શાસ્ત્રીએ ગઝનીના આક્રમણ પ્રસંગને અનુલક્ષીને લખેલી સુંદર નવલકથાઓ વાંચવા જેવી છે . અલાઉદીનના આક્રમણ પ્રસંગને મધ્યકાલીન કથાકાવ્ય કાનડ ડદે પ્રબંધમાં નિરૂપવામાં આવ્યા છે.
સોમનાથ ભારતનું મહાન શક્તિકેન્દ્ર , ભક્તિકેન્દ્ર અને સંસ્કૃતિકેન્દ્ર છે . નિર્માણનો યશ , પ્રાચીન કળાને જીવંત રૂપે પરંપરિત કરનાર સોમપુરાઓને અને વિશેષત : મુખ્ય સ્થપતિ પ્રભાશંકર સોમપુરાને ફાળે જાય છે . અહીં સંસ્કૃત પાઠશાળા પણ સ્થપાઈ છે તથા ‘ ગુજરાત સંસ્કૃત વિદ્યાપીઠ ' ( યુનિ . ) ની સ્થાપનાની વિચારણા ચાલે છે તેના કેન્દ્ર તરીકે આ સ્થળ પણ સુચવાયું છે . સોમનાથથી સાગરતટે ચાલતાં હિરણ નદી ને સમુદ્રનો સંગમ આવે છે જે પવિત્ર ત્રિવેણીતીર્થ ગણાય છે . આ પણ પુરાણું શક્તિપીઠ તથા શ્રી શંકરાચાર્યનો મઠ પણ છે ને તેનાથી આગળ ચાલતાં દેહોત્સર્ગ તીર્થ આવે છે . પ્રત્યેક ભારતીય માટે આ મહત્ત્વનું સ્થાન ગણાય . કારણ કે આ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ દેહત્યાગ કરેલો ને તેમના દેહને અગ્નિસમર્પિત કરવામાં આવેલો . શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલાં ગોકુળ - વૃંદાવન - મથુરા - દ્વારકા કુરુક્ષેત્રનું જે મહત્ત્વ છે તેટલું જ આ સ્થાનનું પણ ગણાય . અહીં કાંઠા પર સરસ મંદિરો છે અને શ્રી મુનશી વગેરેના પ્રયાસોથી સોમનાથથી અહીં સુધી સુંદર માર્ગ બનાવીને તેમજ અહીં સ્મારક વગેરે રચીને આ સ્થળના વાતાવરણને અનુરૂપ ઉઠાવ આપવામાં આવ્યો છે . સોમનાથથી એ દિશામાં નજીક જ ભાલકાતીર્થ છે જ્યાં શ્રીકૃષ્ણને બાણ વાગેલું ને ત્યાંથી દેહોત્સર્ગની જગ્યાએ આવીને તેમણે દેહત્યાગ કરેલો . આ શાંત રમણીય સ્થળ હૃદયના અપૂર્વ સંવેદનો જન્માવે છે . પ્રભાસથી માંગરોળ સુધીનો રમણીય રેતાળ દરિયા કિનારો સહેલાણીઓ માટે આલાદક છે . માંગરોળ પાસે જ “ શારદાગ્રામ ' શિક્ષણસંસ્થા અને ચોરવાડનો દરિયાકિનારો મુલાકાત લેવા યોગ્ય છે .
No comments: