ડાંગના આદિવાસી
ગુજરાતના 19 જિલ્લાઓમાં કચ્છ અલગ તરી આવતો પ્રદેશ છે તેમ ડાંગ જિલ્લો પણ અલગ તરી આવે છે . ડાંગ અનોખું છે - એકલપટું છે . ભારતભરમાં આ એક જ જિલ્લો છે જ્યાં ચાર ભીલ રાજાઓને અને દસ નાયકોને સાલિયાણું મળે છે .
સહ્યાદ્રિ પર્વતમાળા વચ્ચે વસેલા ડાંગમાં લગભગ સવા લાખ આદિવાસીઓ વસે છે . ભીલ , કુણબી અને વારલી જાતિઓ મુખ્ય છે . આ ટચૂકડા જિલ્લાના બે પડોશીઓએ નામ કાઢ્યું છે . ડાંગ સરહદના વ્યારા નજીકના અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્યપ્રધાન હતા . જયારે બાજુના વાંસદા એ સંગીતકાર જયકિશનની જન્મભૂમિ છે .
ડાંગ પ્રદેશ ગુજરાતને કરોડો રૂપિયાની કમાણી કરાવી આપે છે છતાં ડાંગ પ્રદેશના લોકો ગરીબ છે . ડાંગ એ શબરીની જન્મભૂમિ છે . શબરીનો આ મલક રીતરિવાજોથી ભરપૂર છે . ડાંગીઓ ખેતી કરે છે . તેઓ મરાઠી છાંટવાળી ગુજરાતી ભાષા બોલે છે . સંશોધનકાર હસમુખ સાંકળિયાના પ્રતાપે અહીંનો પુરાતન ઇતિહાસ શોધી શકાયો છે .
ડાંગી ઘરો વાંસ અને લાકડાનાં બનેલાં હોય છે . વાંસની પટ્ટીઓ ચોકડી આકારમાં ગૂંથી તેની પર છાણના મિશ્રણનું લીંપણ કરીને દીવાલ બનાવે છે . દરેક ડાંગીને ત્યાં માછલી પકડવાનું સાધન તો હોય જ .
ડાંગીઓનાં લગ્નના રિવાજો તદન નિરાળા છે . ‘ બોલપેન ’ , ‘ મોટીપેન ’ અને લગ્નની વિધિ . ડાંગી મા - બાપ પોતાના દીકરાને લઈને કન્યાપક્ષને મળવા જાય અને કન્યાના હાથની માગણી કરે . બંને પક્ષ રાજી હોય તો કન્યાના પિતાને ગોળનું પડીકું અપાય . આને ‘ બોલ ’ આપ્યો કહેવાય છે અને ‘ બોલપેન’ની વિધિ કહેવાય અને લગ્ન પ્રસંગને ‘ મોટીપેન’ની વિધિ કહેવાય છે .
ડાંગી લોકો દેવ - દેવતા , ભૂત - પિશાચમાં ખૂબ માને છે . વાધદેવ , નાગદેવ , સૂર્યદેવ જેવા અનેક દેવોની પૂજા કરે છે .
ડાંગમાં શાળાઓ છે . એક કૉલેજ પણ છે . ડાંગમાં ગુજરાતી ભાષાનાં પુસ્તકો છે . ગુજરાતી ભાષા હોવા છતાં અહીંની ભાષા થોડી અલગ છે . શિક્ષકોને મોટે ભાગે ડાંગી ભાષામાં શીખવવું પડે છે . ડાંગમાં સહી કરી શકે તે ભણેલો એવી માન્યતા છે . ડાંગનાં જંગલોમાં પુષ્કળ ઇમારતી લાકડું પેદા થાય છે . અહીં ફર્નિચર પણ બને છે . લાકડાંનો અહીં મોટો વેપાર થાય છે .
No comments: