Facebook

સરદાર વલ્લભભાઈ પટેલ

 

સરદાર વલ્લભભાઈ પટેલ
(જ. 30-10-1875~અ 15-12-1950)


        ખેડા જિલ્લાના કરમસદ ગામમાં પિતા ઝવેરભાઈ પટેલને ત્યાં જન્મ . વ્યવસાય ખેતીનો . વલ્લભભાઈને ગળથુથીમાંથી ભક્તિ અને વીરત્વના સંસ્કારો મળ્યા . પરિણામે નાનપણથી જ તેઓ સાહસિક , નીડર , કાર્યકુશળ અને સહનશીલ હતા . ઈ . 1900 માં ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી અને વકીલ આખા વિસ્તારમાં એક બાહોશ ને માથાભારે વકીલ તરીકે તેમનું નામ ગાજવા માંડ્યું .

       વલ્લભભાઈને ઇંગ્લેન્ડ જઈ બૅરિસ્ટર થવાનો ભારે મનસૂબો હતો . ભારે પરિશ્રમ કરી , પૈસા ભેગા કરી તેઓ ઈ . 1910 માં ઇંગ્લેન્ડ ગયા અને અભ્યાસમાં ખૂંપી ગયા .
          વલ્લભભાઈનો પરિશ્રમ ફળ્યો . પ્રથમ વર્ગમાં પ્રથમ આવી તેમણે ઝળહળતી ફતેહ મેળવી . તેમને પચાસ પાઉન્ડનું ઇનામ અને બે ટર્મની ફી - માફી મળી ! આટલી સફળતા મળ્યા છતાં પોતાનું ધ્યેય પ્રાપ્ત કર્યા બાદ તરત ભારત પાછા ફર્યા . સરકારી નોકરીની અનેક લોભામણી ઑફરો અવગણી અમદાવાદમાં બૅરિસ્ટરી કરવાનો નિર્ણય કર્યો . થોડા જ વખતમાં તેમની વકીલાત જામી ગઈ . પણ બૅરિસ્ટરી કરવાનું તેમને માટે નિર્ણાયું ન હતું .

         1915 માં ગાંધીજી આફ્રિકાથી દેશમાં આવ્યાં અને અમદાવાદમાં કોચરબ આશ્રમ સ્થાપીને રહ્યા . ઘણા વકીલો અને જાહેર ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છા ધરાવનારાઓ કુતૂહલ ખાતર ગાંધીજીના આશ્રમમાં જતા અને ત્યાંથી કાંઈક ને કાંઈક વાતો લાવી ગુજરાત ક્લબમાં વલ્લભભાઈને કરતા . તે સાંભળીને વલ્લભભાઈ તે વાતોને મશ્કરીમાં ઉડાવતા . ગાંધીજીની ઠેકડી કરનાર આ બાહોશ ધારાશાસ્ત્રીએ જ્યારે જોયું કે ગાંધીજીએ ચંપારણ્યમાં મનાઈહુકમનો ભંગ કરીને અંગ્રેજી રાજ્યના પાયા ડગમગાવી મૂક્યા ત્યારે એમને થયું કે આ નરવીર તો માથે હાથમાં લઈને ફરે છે અને એ આપોઆપ એમને પડખે જઈને ઊભા . એવામાં 1917 માં ખેડા જિલ્લામાં ખેડૂતોના સત્યાગ્રહનો પ્રસંગ ઊભો થયો . ગાંધીજીએ તે લડતની આગેવાની લીધી . એ લડતમાં વલ્લભભાઈ ગાંધીજીની ઠેઠ સુધી સાથે રહ્યા એટલું જ નહિ , પણ તેમની ગેરહાજરીમાં તેમનું સ્થાન સંભાળવા લાગ્યા .
    
          1921 માં તેમણે વકીલાતને તિલાંજલિ આપી . ખૂબ પૈસા કમાઈને મોટા વકીલ તરીકે કીર્તિ મેળવવાની તેમની મહત્ત્વકાંક્ષાએ જુદો જ વળાંક લીધો અને ગાંધીજી જેવા પારસમણિના સ્પર્શ તેમનો જીવનરાહ બદલાયો . 1921 માં વલ્લભભાઈ કોંગ્રેસમાં જોડાયા અને ગુજરાત પ્રાંતીય કોંગ્રેસ સમિતિના પ્રથમ અધ્યક્ષ તરીકે ચૂંટાયા . 1922 માં બોરસદ સત્યાગ્રહની અને 1923 માં નાગપુર ઝંડા   સત્યાગ્રહની નેતાગીરી લઈ બંનેમાં વિજય મેળવ્યો . 1924 માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચૅરમૅન બન્યા .

           1928 માં બારડોલી સત્યાગ્રહ આવી પડ્યો . વલ્લભભાઈએ બારડોલી જઈ આખાય પ્રશ્નમાં શું તથ્ય છે તેની તપાસ કરી . ગાંધીજી બારડોલી આવ્યા . આ લડતનું સમગ્ર સંચાલન વલ્લભભાઈને સોંપાયું . વલ્લભભાઈએ પ્રજામાં ખમીર પ્રગટાવ્યું . લોકોને હિંમત આપી . પોતે તેમની પડખે ઊભા છે તેની ખાતરી કરાવી અને લડત શરૂ થઈ . આખરે સરકાર નમી . સરકારે સમાધાન કર્યું . સત્યાગ્રહનો જયજયકાર થયો . ગાંધીજી એ વલ્લભભાઈને ‘ સરદાર'ના વહાલસોયા બિરુદથી નવાજ્યા . ત્યારથી તે સમગ્ર દેશના “ સરદાર ' બની રહ્યા .

           ઈ . 1946-47માં મધ્યસ્થ સરકારમાં પ્રજાકીય પ્રધાનમંડળ રચાયું તેમાં કોંગ્રેસનું પ્રધાનમંડળ થયું અને સરદારને તેમાં ગૃહખાતું સોંપાયું . ઈ .1947 ના ઑગસ્ટની 15 મી તારીખ પછી હિંદુ - મુસ્લિમોના સ્થળાંતરના પ્રસંગે હિંદુસ્તાન અને પાકિસ્તાન બંને દેશોમાં કોમી હુલ્લડ થયાં .  
         ભારત સ્વતંત્ર થયા બાદ સમગ્ર દેશના ભાવિ - ઇતિહાસનું નવું પાનું ઊઘડ્યું . સ્વતંત્રતા મળતાં દેશની સાઠ ટકા પ્રજાને આઝાદી મળી . પરંતુ બાકીની 40 ટકા પ્રજા ભારતમાં આવેલાં દેશી રજવાડાંના શાસન તળે હતી . આઝાદી પહેલાં આ રજવાડાંઓ બ્રિટિશ સલ્તનત નીચે હતાં . હવે દેશી રાજાઓના નિરંકુશ કાબૂ નીચે પ્રજા સીધી રીતે આવી ગઈ હતી . તેમાંના મોટા ભાગના રાજાઓ પ્રજાને ચૂસવામાં અને વિલાસી જીવન જીવવામાં રત હતા . આ 40 ટકા પ્રજા રાજાઓથી મુક્ત થાય તો જ ભારતમાં અખંડ શાસન કરી શકાય . આ કાર્યનો હવાલો સરદારને સુપરત કરવામાં આવ્યો જે બહુ કપરું કાર્ય હતું . સૌરાષ્ટ્રનાં રાજ્યોમાં , વડોદરામાં , કચ્છમાં , મૈસૂરમાં , ત્રાવણકોરમાં અને અન્ય દેશી રાજ્યોમાં અનેક પ્રશ્નો ઊભા થયા . જો આ પ્રશ્ન હલ ન થાય તો દેશ અનેક ભાગલાઓમાં ખંડિત જ રહે . પરંતુ અસાધારણ કુનેહથી સરદારે દેશી રજવાડાંઓને સામ , દામ , દંડ અને ભેદની ચાણક્યનીતિથી વશ કર્યા અને દેશની એકતા માટેની અપ્રતિમ સેવા કરી . તેમણે બે વરસમાં દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલિનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું . આ એક ઐતિહાસિક ઘટના હતી .

           અંતઘડી પાસે આવી ત્યારે એ મુંબઈ આવ્યા . આમ છતાં પણ એ દીકરાને ત્યાં ન ગયા . મા વિનાના દીકરાને ઉછેરનાર પિતા , એની અમુક જાહેર પ્રવૃત્તિ અંગે પ્રજાને અંદેશો હોઈ મૃત્યુઘડીએ પણ એનાથી દૂર રહ્યા . ભલભલાં ભૂતોની ચોટલી પકડનાર આ ભૂવાએ એકેય નાળિયેર દીકરા તરફ ફેંક્યું ન હતું . એમના સમગ્ર જીવન દરમ્યાન એમના કટ્ટર દુશ્મન પણ સરદાર પર સંતાનવત્સલતા સંબંધી આક્ષેપ કરી શક્યો નથી જે સાંપ્રત રાજકારણના અનુસંધાનમાં એક કલ્પનાતીત વાત જેવી લાગે છે .

સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ Reviewed by History of Gujarat on September 24, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.