પાવાગઢ
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢ પર્વત કાલિકામાતાની યાત્રાના સ્થળ તરીકે પ્રસિદ્ધ છે . વડોદરાથી 46 કિલોમીટર દૂર પાવાગઢનો ઊંચો ડુંગર ! ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ !
અગિયારમી સદીમાં ચંદ બારોટે પાવાપતિ તરીકે તુઆર કુળના રામ ગૌરનો ઉલ્લેખ કર્યો છે . મેવાડથી નાસીને આવેલા ચૌહાણ રજપૂતોએ ઈ.સ. 1300 માં પાવાગઢ કબજે કર્યો . અમદાવાદના મુસ્લિમ સુલતાન અહમદશાહ અને મહંમદશાહે પાવાગઢ કબજે કરવા કરેલા પ્રયાસોમાં તેઓ સફળ થયા નહોતા . 1484 માં મહંમદ બેગડાએ પતાઈ રાવળ ( જયસિંહ રાવળ ) ને હરાવી પાવાગઢ કબજે કર્યો . તેણે સંરક્ષણની દૃષ્ટિએ ત્યાં કિલ્લો બાંધ્યો . પાવાગઢની તળેટીમાં આવેલા ચાંપાનેરને તેણે ગુજરાતનું પાટનગર બનાવ્યું . 1573 માં અકબરે , 1727 માં મરાઠા સરદાર કૃષ્ણાજીએ અને 1761 માં સિંધિયાએ પાવાગઢ પર જીત મેળવી . 1803 માં સિંધિયા પાસેથી બ્રિટિશ સેનાપતિ પુડિંગ્ટને પાવાગઢ પરની સત્તા મેળવી લીધી . પાવાગઢનો ઇતિહાસ પતાઈ રાવળ સાથે સંકળાયેલો છે . પાવાગઢની તળેટીમાં ચાંપાનેર . કહેવાય છે કે , વનરાજ ચાવડાએ મહામંત્રી ચાંપાની સ્મૃતિરૂપે આ નગર વસાવેલું . રાવળકુળનું પતાઈ કુટુંબ ત્યાં રાજ કરે ને સરહદ સાચવે . લોકકથા કહે છે કે , પાવાગઢ પર જેનું થાનક છે તે મહાકાળી નારીરૂપ લઈને નવરાત્રિમાં ગરબે રમવા ઊતર્યા . છેલ્લા પતાઈ જયસિંહે તેમના પર કુદૃષ્ટિ કરી ને દેવીએ તેને શાપ દીધો . પરિણામે થોડા જ સમયમાં ગુજરાતના અમદાવાદના બાદશાહ મહંમદ બેગડાએ પાવાગઢ પર
ચઢાઈ કરીને એ સરહદી ગઢ જીતી લીધો . પતાઈ હાર્યો - મરાયો . રાજદ્વારી જરૂરિયાતથી બેગડાએ રાજધાની કેટલોક વખત અમદાવાદથી ચાંપાનેરમાં ખસેડી . ચાંપાનેરને વિકસાવ્યું . ત્યાં અનેક સ્થાપત્યો બંધાવ્યાં . આજેય ઠેરઠેર મળી આવતા અવશેષોથી ચાંપાનેરના નગર - વિસ્તારની અને તેની શોભા - સમૃદ્ધિની કલ્પના કરી શકાય છે . ચાંપાનેરનો કિલ્લો , વહોરા મસ્જિદ , માંડવી , કીર્તિસ્તંભ , શેખનું દેરું વગેરે છે જોવા જેવાં . કિલ્લાની બહારની સું દર કોતરણીવાળી જુમ્મા મસ્જિદ , નગીના મસ્જિદ ને કેવડા મસ્જિદ પણ છે . ચાંપાનેરથી બે કિલોમીટર દૂર વડ તળાવ પાસે બેગડાના મહેલના અવશેષો પણ છે .
પાવાગઢના શિખર પર કાલિકામાતાનું મંદિર છે . સાત મહેલ નામના ચૌહાણ રાજાઓના મહેલના અવશેષો અને સદનશાહ દરવાજો તેની તળેટીમાં આવેલાં છે . તેની ખીણમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે . સદનશાહ દરવાજાથી આશરે 100 મીટરની ઊંચાઈએ માચી હવેલી આવેલી છે . સોળમાં સૈકાના મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા આ ચાંપાનેરનું રત્ન હતા . પાવાગઢ લગભગ 800 મીટર ઊંચો પર્વત છે . તેના ઉચ્ચતમ શિખર પર મા મહાકાળીનું સ્થાનક - મંદિર છે . ભારતનાં કાલિપૂજાનાં તીર્થોમાં આ સ્થાનનું પણ મહત્ત્વ છે . ગુજરાતમાં તો એક પાસ અંબાજી તેમ બીજી પાસ આ
પાવાગઢવાળી કાલિકાનો ભારે મહિમા છે . ઉપર ચઢતાં અધવચ માંચી ગામની જગા આવે છે . ત્યાં સુધી બસ પણ જાય છે . ત્યાં રાવળના મહેલના અવશેષો છે . રેસ્ટ હાઉસ છે . વિહારધામ અને નાની હોટલો છે . તેથી આગળ જતાં તેલિયું તળાવ ને તેથી ઉપર જતાં દૂધિયું તળાવ આવે . આ જગા વિશાળ છે . ત્યાં થોડાંક મકાનો , હોટલો વગેરે પણ છે . 550 મીટરની ઊંચાઈએ ભદ્રકાળીનું મંદિર છે . અહીં સુધી જવા માટે હવે રોપ - વે થયો છે . આ પછી સાંકડી સીધી ટોચ પર જવા માટે 250 જેટલાં પગથિયાં ચઢવાં પડે . ઉપર મહાકાળી મંદિર ને તેનેય માથે છે સદનશાહ પીરની દરગાહ .
પતાઈ રાવળની કહાણી પર અનેક વાર્તાઓ નાટકો - ગરબા રચાયાં છે . પાવાગઢ અને પતાઈ રાવળનો ઇતિહાસને દંતકથાથી અલગ તારવવો અઘરો છે . સંશોધકો તો ઇતિહાસ જ ઓળખે પણ લોકસમુદાય તો પેલી દંતકથાને જ વાગોળે છે અને ગાય છે : “ મા પાવા તે ગઢથી ઊતર્યાં મહાકાળી રે ! ” પાવાગઢ પંચમહાલ
જિલ્લામાં અને પંચમહાલ એટલે તો આદિવાસીઓનો પછાત વિસ્તાર . વડોદરાને અડીને જ આવેલ હોવા છતાં પંચમહાલના આ પહાડી પ્રદેશનો માહોલ સાવ બદલાઈ જાય છે . વડોદરાના શહેરી માહોલ કરતાં આ વિસ્તાર સાવ જુદો લાગે છે . સરકારે તેના વિકાસને અનુલક્ષીને આ વિસ્તારમાં સ્થપાતા ઉદ્યોગોને કેટલીક છૂટછાટો આપી છે . પરિણામે પાવાગઢની આસપાસનો કાલોલ - હાલોલ ગામો નજીકનો વિસ્તાર ઔદ્યોગિક વસાહત - વિસ્તાર બની ગયો છે . નજીકમાં ધાબાડુંગરી પર સરસ દેવાલય ને રહેઠાણ વિકસ્યું છે . એ હાલોલ નજીક , આસપાસનાં જંગલો ને ડુંગરાની સુવિધાઓને કારણે ફિલ્મ - ટુડિયો પણ થયેલ છે . આ બાજુ પૂર્વમાં હરિવલ્લભ પરીખના રંગપુર આશ્રમની આદિવાસી વિકાસ પ્રવૃત્તિઓ ઠેરઠેરથી મુલાકાતીઓને આકર્ષી રહી છે , તો શિવરાજપુરની મેંગેનિઝની ખાણો છે જે લગભગ બંધ પડી છે . હવે તો હાલોલમાં કૉલેજ છે . હાલોલથી પાવાગઢ જતાં લગભગ નગરથી નજીક જ ડુંગર પર કૃપાલ્વાનંદના શિષ્ટાયોપી રાજર્ષિમુનિનો નિવાસ .
ગોધરા પંચમહાલનું મુખ્ય શહેરા મોગલ અને મરાઠાકાળનું અગત્યનું મથક છે . ત્યાંથી ઉત્તરે દેવગઢબારિયા અને દાહોદ સુધીનો જંગલોનો અને આદિવાસીઓનો વિસ્તાર છે . અહીં સાગનાં જંગલો કપાયે જાય છે . રતનમહાલના ડું ગરા પર રીંછોનું અભયારણ્ય છે . દેવગઢબારિયા જૂનું રજવાડું ને રમણીય સ્થળ છે તો દાહોદ વેપાર - ધંધાથી સમૃદ્ધ એવું લગભગ મધ્યભારતની સરહદે આવેલું શહેર છે . ડભોઈ , સંખેડા , હાલોલ , છોટાઉદેપુર , બોડેલી , ગોધરા , દેવગઢબારિયા , દાહોદ , લુણાવાડા , સંતરામપુર બધે જ કૉલેજો પણ વિકસી છે . તો કપાસ , લાકડું તથા જંગલની પેદાશ તેમજ ઔદ્યોગિક પેદાશોનાં બજારો પણ વિકસ્યાં છે . ગોધરાથી પૂર્વે લુણાવાડા પણ જૂનું રજવાડું છે પણ રોનક રહી નથી . હવે કડાણા ડેમમાં કાર્યાલયો તથા પાનમંડળની પ્રજાની તાસીર બદલાતી જાય છે . ગોધરાથી દક્ષિણ તરફ વેંગણપુરથી ફંટાતાં રતનપુરમાં બે પ્રકારના પથ્થરોથી બંધાયેલું ચૌદમી સદીનું અનેક શિલ્પ અને સુંદર તોરણવાળું મંદિર છે , તો મુખ્ય રસ્તે જતાં ટુવાના ગરમ પાણીના કુંડ જોવા મળે છે . ને તેથીય આગળ ટીંબાની પથ્થરની ક્વોરીઓ જોઈ મહી નદી ઓળંગીએ એટલે પ્રવેશીએ ખેડા જિલ્લામાં .
ખેડા જિલ્લાનું હૃદયકેન્દ્ર તે ચરોતર . ખેતી અને ઉદ્યોગ તેમજ શિક્ષણ - વ્યવસ્થા વગેરે સર્વ દૃષ્ટિએ સુવિકસિત અને સમૃદ્ધ વિસ્તાર . મુખ્ય પાક તમાકુ અને મુખ્ય પ્રવૃત્તિશીલ પ્રજા પાટીદાર . તમાકુની ખેતી અને વ્યવસાય ઉપરાંત આફ્રિકા , યુરોપ તથા અમેરિકા જેવા પરદેશનિવાસો અને ઘણો વિકાસ સાધ્યો છે .
No comments: