‘ વીરક્ષેત્ર વડોદરુ ’
ભરૂચની દક્ષિણે સુરત . ઉત્તરે વડોદરા . પ્રેમાનંદે ગાયેલું ‘ વીર વડોદરું ' . ગાયકવાડની રાજધાની . અગાઉના ગાયકવાડ રાજાઓએ તેને વહીવટી કેન્દ્ર તરીકે વિકસાવ્યું તો કલ્પનાશીલ દીર્ઘદર્શ રાજવી સયાજીરાવે તેને સુવિકસિત અને શોભતું નગર બનાવ્યું . રૂપાળા બગીચાઓ , વિશાળ રસ્તાઓ , સરસ સ્થાપત્યના નમૂના જેવાં મહાલયો અને સુંદર શિલ્પમૂર્તિઓથી તેને સજાવ્યું . માત્ર રાજમહેલો જ નહીં પણ સુંદર ન્યાયાલયો , કૉલેજો - વિદ્યાભવનો , સંગ્રહાલય વગેરેથી તેમજ ઉદ્યોગોથી તેને સમૃદ્ધ કર્યું . વડોદરા નગરી ગુજરાતની ઉત્તમ અને ભારતની સુંદર નગરીઓમાં એક રાજનગરી બની રહી . સયાજીકાળની એ શોભા - સુંદરતા , શાંતિ અને ભવ્યતા હવે ઉત્તરોત્તર ઘટતી જાય છે . છતાં હજી ગુજરાતનાં નગરોમાં સુંદર નગરી છે વડોદરા .
ઝવેરાત કે સોનારૂપાની તોપો ભલે જોવા ન મળે , પણ રાજ કુટુંબનાં શસ્ત્રોના મ્યુઝિયમમાં ને માણિકરાવના શસ્ત્રાગારમાં આશ્ચર્યકારક નમૂના જોવા મળે છે . પ્રાણીબાગ હજીય સજીવ છે ને તેમાં પ્લેનેટોરિયમ ઉમેરાયું છે . કૉલેજ યુનિવર્સિટીમાં વિકસી છે , સંગીતશાળા ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં રૂપાંતરિત થઈ છે . કેટલુંક રહ્યું છે , કેટલુંક ગયું છે , કેટલું ક ઉમેરાયું છે – કેટલુંક બદલાયું છે , એટલે પહેલાંનું નહીં છતાં અત્યારનું વડોદરા હજી પોતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ જાળવી રહ્યું છે . લહેરીપુરા દરવાજા ને માંડવી ને ન્યાયમંદિરની ઇમારતો જાણે વડોદરાના અસલી વ્યક્તિત્વને જાળવી રહી છે . કીર્તિસ્તંભ અને કીર્તિમંદિરની દીવાલ પરનાં નંદલાલ બોઝનાં ચિત્રો , પ્રાપ્ય વિદ્યામંદિર અને પુરાતત્ત્વ સંશોધનની સંસ્થાઓમાં પડેલી મૂલ્યવાન હસ્તપ્રતો સંસ્કારપ્રેમી રાજવીના વારસાને સાચવી રહ્યાં છે .
મૂળ શહેર તો નાનું . કેન્દ્રમાં માંડવી ને ચોપાસ ચાર દરવાજા : લહેરીપુરા , ચાંપાનેરી , બરાનપુરી અને પાણી દરવાજો . અંદરનો વિસ્તાર એ જ મૂળ ગામનો વિસ્તાર . માંડવી પાસે નજરબાગ એ મૂળ રાજમહેલ . પછી તે વિસ્તર્યું ને છેલ્લા ત્રણ - ચાર દાયકામાં તો ખૂબ વિસ્તર્યું . ચોપાસના ઉદ્યોગ - વિસ્તારો ને તેમાંય રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સના ઉદ્યોગો તથા નજીકમાં જ ફર્ટિલાઈઝરનગર થતાં તો વડોદરાના વિકાસ અને વિસ્તારની ગતિ એકદમ વધી ગઈ છે . વડોદરાથી મકરપુરાની પણ પેલી પારનાં ગામ હવે પરાં થઈ ગયાં છે . તેમ અન્ય દિશાઓમાં તે વિસ્તર્યું છે ને હજી વિસ્તરતું જાય છે . અગાઉ મહત્ત્વના ગણાતા વડોદરાના
ઉદ્યોગો એલેમ્બિક કેમિકલ્સ , એલેમ્બિક ગ્લાસ , જ્યોતિ એન્જિનિયરિંગ , સયાજી એન્જિનિયરિંગ તો હવે નાનાં કહેવાય - એટલા મોટા અને એટલા વિવિધ મોટા ઉદ્યોગો ત્યાં કેન્દ્રિત થયા છે . નજીકમાં જ હાલોલનો થયેલો વિકાસ પણ વડોદરાના વિકાસમાં પૂર્તિ કરે છે . નંદેસરી , ગોરવા , મકરપુરા , અકોટા ડભોઈ માર્ગ તો ઉદ્યોગોથી ધમધમે છે . પણ આમાં ત્રણ મોટાં સંકુલો નોંધપાત્ર છે : બાજવા પાસે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની'નું ખાતરનું કારખાનું , અંકલેશ્વરથી ઉત્તર ગુજરાત પયતના તેલક્ષેત્રોમાંથી આવતા ખનિજ તેલનું શુદ્ધીકરણ કરતી 1965 માં સ્થપાયેલી કોયલી રિફાઈનરી , રસાયણો ને તેનાં ઉત્પાદનોનું કામ કરતું કારખાનું . વડોદરાની આસપાસનાં આ રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય કક્ષાનાં ઉદ્યોગ સંકુલો વડોદરા જ નહીં પણ ગુજરાતના તેમજ સમગ્ર રાષ્ટ્રના વિકાસની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનાં છે .
વૈભવી ઇમારતોનું આ શહેર છે . તેમાંય ન્યાયમંદિર , પૂર્વજોનું સ્મારક જાળવતું કીર્તિમંદિર , ભવ્ય ગુંબજવાળી કૉલેજ , સુરસાગર તળાવ , સંગ્રહાલય વગેરે અનેક ઇમારતો તેમનાં સ્થાપત્ય અને કલાત્મકતા માટે દર્શનીય છે . વડોદરાનાં મહાલયો , માર્ગો ને ઉદ્યાનો અનેક નમૂનેદાર શિલ્પમૂર્તિઓથી સભર છે . આખું શહેર જાણે કલાત્મક સંગ્રહાલય છે .
પરંતુ મહારાજા સયાજીરાવને માત્ર પ્રાણીઓ , પુસ્તકો કે કલાત્મક ચીજો જ સંઘરવાનો શોખ ન હતો તેની પ્રતીતિ પણ વડોદરા કરાવે છે . શહેરના માર્ગોના નામ અને ઠેરઠેર મુકાયેલાં ચિત્રો અનેક મહાનુભાવોનું નામસ્મરણ કરાવે છે . સયાજીરાવે અનેક મહાનુભાવોને વડોદરામાં વસાવેલા . બદરુદ્દીન તૈયબજી અને મનુભાઈ દીવાન , રોમેશચંદ્ર દત્ત અને વી . ટી . કૃષ્ણમાંચારી , ત્રિભુવનદાસ ગજ્જર અને કવિ કાન્ત , પ્રોફેસર અરવિંદ ઘોષ ( જે પછી મહર્ષિ થયા અને પોંડિચેરીમાં વસ્યા ) , આંબેડકર વગેરે તો એમાંનાં થોડાં જ નામ ગણાય . પ્રેમાનંદથી ૨. વ . દેસાઈ સુધીના અને તે પછીના સુરેશ જોષી સુધીના સારસ્વતોની આ નગરી છે . શ્રીમંત સયાજીરાવના ઉદ્યોગવિદ્યાકળાના શોખને કારણે વડોદરામાં કલાભવન - સંગીતશાળા જેવી સંસ્થાઓ ઉદ્ભવી ને વિજ્ઞાનીઓ ઉપરાંત મૌલાબક્ષ અને ખાં સાહેબ ફૈયાઝખાં જેવા સંગીતકારો પણ ત્યાં વસ્યા . મોતીભાઈ અમીન જેવાને તેમણે પુસ્તકાલય પ્રવૃત્તિના વિકાસમાં સહાય કરી . ‘ ગુજરાત પુસ્તકાલય સહકારી સંઘ ’ જેવી સંસ્થાની સ્થાપના તેમની જ પ્રેરણાથી થઈ . કાચનાં તળિયાંવાળી ‘ સેન્ટ્રલ લાઇબ્રેરી ’ પણ જોવા જેવી છે .
વડોદરાનું મધ્યવર્તી પુસ્તકાલય નમૂનેદાર ગણાય . મહારાજાએ પોતાના રાજમહેલનો ગ્રંથાગાર ભેટ આપીને તેને સમૃદ્ધ કર્યું છે . ગુજરાતના આ સૌથી મોટા ગ્રંથાગારને રાજ્ય ગ્રંથાલયનો દરજજો મળ્યો છે . અહીં કોપીરાઇટ વિભાગ પણ છે . ત્યાં આવું જ બીજું મોટું ગ્રંથાલય મ . સયાજીરાવ યુનિવર્સિટીનું ‘ હંસા મહેતા ગ્રંથાલય ’ છે . પ્રાચ્યવિદ્યામંદિરનો ગ્રંથભંડાર પણ ઘણો કીમતી છે . ઉપરાંત જયસિંહરાવ ગ્રંથાલય તો સો વર્ષ પુરાણું છે . તેમાં હજારો પુસ્તકો છે . પ્રાચ્યવિદ્યામંદિરમાં તો હજારો હસ્તપ્રતો સચવાઈ છે . અનેક અપ્રાપ્ય તેવી ભોજપત્રી , તાડપત્રી વગેરે ની હસ્તપ્રતો પર શાહી કે સુવર્ણ - રજત રંગોથી લખાયેલ આ ગ્રંથોનો દેશ - પરદેશના અનેક વિદ્યાપ્રેમી સંશોધકો સતત અભ્યાસ કરે છે . આ માટે હવે તો અદ્યતન યંત્રસામગ્રી પણ ઉમેરાઈ છે . આ સંશોધનોના પરિણામરૂપ અનેક ગ્રંથો બહાર પડ્યા છે . ઉપરાંત પંદર હજારથી વધુ હસ્તપ્રતોની બે સૂચિઓ પણ પ્રગટ થઈ છે . તેના પ્રાંગણમાં મહાકવિ પ્રેમાનંદની પ્રતિમા છે .
લલિતકલાઓનો અભ્યાસ કરાવતી ફાઈન આર્ટ્સ ફેકલ્ટી દેશભરમાં ઘણી વિખ્યાત છે . ખ્યાતનામ કલાકાર સ્વ . બેન્દ્ર જેવાની સેવાઓનો તેના પ્રથમ ડીન તરીકે લાભ મળ્યો હતો . તો નાટ્યક્ષેત્રે માર્કડ ભટ્ટ , ઊર્મિલા ભટ્ટ અને શિવકુમાર શુક્લ જેવા કલાકારોનો લાભ આ સંસ્થા દ્વારા પ્રજાને મળ્યો છે - મળે છે . નૃત્યક્ષેત્રે પણ એવી જ પ્રગતિ થઈ છે . આ બધી જ સંસ્થાઓમાં કલાઓની પરંપરાગત જાળવણી ઉપરાંત અહીં આધુનિક વહેણોનો પરિચય અને નવા પ્રયોગો પણ થઈ રહ્યા છે . વડોદરા ભારતનાં ખ્યાતનામ કલા - કેન્દ્રોમાંનું એક ગણાય છે . ચિત્રક્ષેત્રે જેરામ પટેલ ને શેખ , જ્યોતિ ભટ્ટ અને ભૂપેન ખખ્ખર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ગુલામ મોહંમદ પામી ચૂક્યા છે . તો સંગીતમાં આચાર્ય તરીકે આર . સી . મહેતાનો લાભ મળ્યો . ચિત્ર , સંગીત અને નૃત્યકળામાં પદવી આપતી ગુજરાતભરની આ એક માત્ર સંસ્થા છે .
આ જ રીતે સયાજીરાવે પોતાના મહાલયના કલાસંગ્રહને પ્રજા માટે આપી દઈ ઊભું કરેલું ને પછી સતત પોષેલું કલા - સંગ્રહાલય તેમાં સંગૃહીત ઉત્તમ અને વિરલ કલાકૃતિઓ માટે દેશભરમાં વિખ્યાત છે . તો છોટુભાઈ અને અંબુભાઈ પુરાણીની વ્યાયામ પ્રવૃત્તિઓ તેમજ પ્રા . માણિક્યરાવની વ્યાયામ પ્રવૃત્તિને અહીં જ આવકાર અને પ્રોત્સાહન મળ્યાં છે . આબાસાહેબ મઝુમદારે લગભગ 50 વર્ષ પૂર્વે શરૂ કરેલું ‘ વ્યાયામ ' માસિક હજી ચાલે છે . વડોદરા ડેરીનું દૂધ પીને કુસ્તીબાજો કુસ્તી કરે છે . આજે પણ વડોદરામાં હરતાં - ફરતાં આ બધાંનો પ્રભાવ વર્તાય છે . ન્યાયમંદિર પાસે મુકાયેલી શહીદ ભગતસિંહની પ્રતિમા ગુજરાતમાંની એક માત્ર પ્રતિમા છે . આ નગરની સજીવતાના સાતત્યની તે પ્રતીતિ કરાવે છે .
ઉદ્યોગોની હણહણાટી વચ્ચે પણ ત્યાં આફતાબે મૌસુકી , ઉસ્તાદ ફૈયાઝખાં અને ભારતીય સંગીતમાં નોટેશન પદ્ધતિ દાખલ કરનાર ‘ ખાંસાહેબો'ના સંગીતના સૂર સંભળાય છે . હવે ઘોડાની રેસ અહીં રમાતી નથી પણ રેસકોર્સ છે . પણ વિજય હજારે , દત્તાજી અને અંશુમાન પેદા થયા છે . કિરણ મોરે અને નયન મોંગિયા જેવા કુશળ વિકેટકીપર , ઝહીરખાન અને ઈરફાન પઠાણ જેવા બોલર વડોદરાએ આપ્યા છે . તેમજ ભારતમાં કૉમ્યુનિકેશનમાં ક્રાંતિ આણનાર સામ પિત્રોડા પણ વડોદરાના જ છે . નાટ્યપ્રવૃત્તિ વિકસે છે . કલાકારોનો મેળો જામે છે . પુસ્તકાલયોમાં ભીડ રહે છે . વડોદરા માત્ર જોવા જેવું નહીં , પરંતુ વસવા જેવું અને જોઈને જ નહીં પણ જીવીને જાણવા જેવું !
વડોદરા એટલે ગાયકવાડોનું નિર્માણ – તેનું વિકસિત રૂપ સયાજીરાવ -3 ને લીધે શિક્ષણ - ઉદ્યોગો - કલાપ્રવૃત્તિ ભવનનિર્માણ - સંગ્રહાલય - પ્રાણીસંગ્રહ - પુસ્તકાલય – બધું જ તેમની પ્રેરણાથી ઊભું છે .
No comments: