મોરારીબાપુ
(જ. 25-09-1956)
ભાવનગર જિલ્લાના તલગાજરડામાં મોરારીબાપુનો જન્મ . પિતા પ્રભુદાસ અને માતા સાવિત્રીબહેન . નિમ્બકાચાર્યની વૈષ્ણવ પરંપરાના અનુયાયી . વિદ્યાર્થી અવસ્થામાં શિક્ષણાર્થે મહુવા જતાં - આવતાં રસ્તે તુલસી રામાયણની ચોપાઈઓ કંઠસ્થ કરેલી .
1966 માં મહુવાની સ્કૂલમાં શિક્ષક થયા . દરમ્યાન સંતો - વિદ્વાનો સાથેનો વ્યાસંગ ચાલતો જ હતો . મોરારીબાપુ ધર્મ અને દર્શનની સાથે સાથે સાહિત્ય અને સમાજ માટે પણ વિધેયાત્મક પ્રદાન કરતા રહ્યા છે . તેમણે કૈલાસ માનસરોવર જઈને ત્યાં પણ કથા પારાયણ કરેલું . તેમણે 500 થી પણ વધુ કથા પારાયણો કર્યા છે . તીવ્ર સ્મરણશક્તિ અને સુંદર વાકછટાનું વરદાન તેમને મળેલું છે . આ ઉપરાંત તેમણે સ્ટીમરમાં તેમજ વિમાનમાં પણ શ્રોતાઓ સમક્ષ રામકથા કરી છે . ભારત ઉપરાંત અનેક દેશોમાં તેમનાં કથા - પ્રવચનો અવારનવાર યોજાતાં રહે છે .
મોરારી બાપુ મધ્યકાલીન તેમજ સાંપ્રત ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને મર્મજ્ઞ છે . પોતાનાં પ્રવચનોમાં તેઓ અવારનવાર સાહિત્યની સુંદર કાવ્યપંક્તિઓ ટાંકીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે . સાત્ત્વિક અને ભાવનાશીલ સાહિત્યના સંનિષ્ઠ ઉપાસકોનું યોગ્ય સન્માન થાય એ માટે અલગ ટ્રસ્ટ સ્થાપી તે દ્વારા દર વર્ષે 1,51,000 રૂપિયાનો નરસિંહ મહેતા પુરસ્કારનું આયોજન કર્યું છે . હનુમાન જયંતીની ઊજવણી નિમિત્તે સાહિત્યકારોના સહયોગથી અસ્મિતા પર્વનું આયોજન પણ કરેલું છે . તેમાં દર વર્ષે મહુવામાં અનેક સાહિત્યકારોને નિમંત્રીને સાહિત્યિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે . ત્રણેક દિવસના આ કાર્યક્રમમાં મોરારીબાપુ વ્યાસપીઠ પર નહીં પણ શ્રોતાગણમાં બિરાજે છે .
No comments: